ભારતીય ઈતિહાસ.........
સોળ વર્ષની કિશોરી માટે દુનિયા કેટલી રંગીન હોય...? સપનાઓ,આશાઓ,અરમાનો,સજાવટ, શણગાર અને ઉભરાઓ...આ બધું જ હૈયામાં ઉછાળા લેતું હોય એવી ઉંમરે મણીબેન રંગીન દુનિયા છોડી પિતાના પગલે ખાદી ધારણ કરે છે...૧૭ વર્ષની ઉંમરે પોતાની સોનાની બંગડીઓ, સોનાની ઘડિયાલ..અને બીજા આભૂષણ ગાંધી આશ્રમમાં જમા કરે છે...જેથી આઝાદીની લડતને બળ મળે...૧૯૨૧ પછી સરદારે હંમેશા પુત્રી મણીબેનના હાથથી વણાયેલા કાપડના વસ્ત્રો જ પહેર્યા...જ્યારે બીજા નેતાઓના પુત્રો પુત્રીઓ વૈભવી જીવન જીવી રહ્યા હતા તે ઉંમરે....મણીબેન અસહકારના આંદોલનમાં ઝંપલાવે છે...૧૯૨૮ માં ૨૫ વર્ષના મણીબેન પોતાની જવાની સત્યાગ્રહીઓની સેવામાં ખર્ચે છે...૧૯૩૦,૧૯૩૮,૧૯૪૦,૧૯૪૨ અને ૧૯૪૪ એમ મણિબહેનને અંગ્રેજો સામે બંડ પોકારવાને બદલે વારંવાર જેલવાસ ભોગવવો પડે છે..મણીબેનનો આવો સંઘર્ષ જોઈ ગાંધીજી કહે છે કે "મેં મણીબહેન જેવી બીજી દીકરી જોઈ નથી"...મણિબહેન આજીવન અપરણિત રહ્યા ..એમણે સરદારની જીવનના અંત સુધી સેવા કરી...
ડૉ વર્ગીસ કુરિયન પોતાના પુસ્તક I Too Had A Dream માં લખે છે..."એક વકીલ તરીકે સરદાર પાસે પુષ્કળ આવક હોવા છતાં તેઓની કોઈ મિલકત નહોતી.એમના બેન્ક એકાઉન્ટમાં પૈસા નહોતા...તેઓ માનતા કે એક રાજનેતા પાસે વ્યક્તિગત સંપત્તિ હોવી જોઈએ નહીં..તેઓએ પોતાની બધી જ કમાઈ આઝાદીની લડતમાં સમર્પિત કરી દીધી.સરદાર અને મણીબહેન બંને એ પોતાના વ્યક્તિગત સુખકારીનો ત્યાગ કરી દેશ માટે શક્ય એટલી આર્થિક પાયમાલી વહોરી..."
૧૯૫૦ માં સરદાર સાહેબના મૃત્યુ બાદ મણીબહેને દિલ્હી સ્થિત મકાન પણ ખાલી કરવું પડ્યું...સરદાર મણિબહેન માટે કંઈ મૂકીને નહોતા ગયા...માથે છત અને પાસે પૈસા વગર મણિબહેને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો...
અવસાન પહેલા સરદારે જે આદેશ આપ્યો હતો એ મુજબ મણિબહેન એક પુસ્તક અને એક થેલો લઈ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પાસે પહોંચે છે ...અને બંને નહેરુને સુપરત કરે છે...એ બુક હતી કોંગ્રેસ પાર્ટીની એકાઉન્ટ બુક અને એ થેલામાં હતા ૩૫ લાખ રૂપિયા....!
મણિબહેન બેસી રહે છે નહેરુ ફક્ત આભાર માનીને ચૂપ થઈ જાય છે...વર્ષો બાદ ડૉ વર્ગીસ કુરિયન જ્યારે મણીબહેનને આ ઘટના વિશે પૂછે છે કે તમારી અપેક્ષા શું હતી નહેરુ પાસે ?
મણિબહેન જવાબ આપે છે..." મને આશા હતી કે નહેરુ મને મારી હાલત વિશે પૂછશે ..હું કેવી રીતે દિવસો પસાર કરું છું એના વિશે પૂછશે....પણ એમણે કંઈ ન પૂછ્યું...!"
આ ઘટના બાદ મણિબહેન દિલ્હી છોડી અમદાવાદ આવી જાય છે...પાછળથી રાજકારણ પ્રવેશ કરી ૪ વાર સંસદ સભ્ય બને છે...ઈમરજન્સી બાદ જે પક્ષ માટે પોતાનું બાળપણ ,જવાની , પરસેવો અને લોહી રેડયું એ કોંગ્રેસ પક્ષ છોડી જનતા પક્ષમાં સામેલ થાય છે અને અંતિમવાર મહેસાણાથી સંસદ તરીકે ચૂંટાય છે...
જીવનની સંધ્યા દરમિયાન મણીબહેનની દ્રષ્ટિ નબળી પડે છે...એમની પાસે કોઈ સહારો નહોતો અમદાવાદની સડકો પર મણીબહેન ભટકતા..ભટકતા ઘણી વાર પડી જતા...અને ત્યાં સુધી પડી રહેતા જ્યાં સુધી કોઈ મુસાફર ત્યાંથી પસાર ન થાય...અને એમની મદદ ન કરે...!
જ્યારે મણિબહેન મરણપથારી પર હતા ત્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી એમની પાસે એક ફોટોગ્રાફર લઈને જાય છે અને ફોટો પડાવે છે..જે બીજા દિવસે આખા ગુજરાતના છાપાઓમાં છપાય છે...મુખ્યમંત્રીનું કામ થઈ જાય છે...!
મણિબહેને આ દેશને ખૂબ આપ્યું..આ દેશે મણીબહેનને શું આપ્યું....?
આજની પેઢીને મણીબહેનનો ફોટો બતાવશો તો કદાચ નહીં ઓળખે..કારણ કે અહીં ગ્લેમર , ચકાચોંધ,દંભ,દેખાવ અને ઠાલી વાતો નથી અહીં તો દેશ માટે જાત હોમીને જતા રહેવાની વાત છે..કર્તવ્યપથ પર ગુમનામ રહીને ખપી જવાની વાત છે....!
મણિબહેનને એમની જન્મજયંતિ પર શત શત નમન...🙏