Friday, January 21, 2022

ઓડકાર અમૃતનો - ~ડૉ. આઈ. કે. વીજળીવાળા

Advertisement

 ઓડકાર અમૃતનો ~ડૉ. આઈ. કે. વીજળીવાળા


1987ની 31મી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કૉલેજને રામરામ કર્યા. 

M.D. પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વરસની કારકિર્દી પણ પૂર્ણ થઈ. 

ટૂંકમાં ભણતર પૂરું થયું હતું. 

હવે ઠોસ જિંદગીની કઠણ કેડીઓ પર કદમ માંડવાનાં હતાં. 

ભાવનગરની એક ટ્રસ્ટ હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકેની નિમણૂક મને મળી ગઈ હતી.. 

હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી, 1988ના રોજ પહોંચ્યો. ટ્રસ્ટ હૉસ્પિટલમાં પૂર્ણ સમયના બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયો. પગાર અંગે મુખ્ય ટ્રસ્ટી સાથે બે-ચાર દિવસ પછી વાતચીત કરવાનું નક્કી થયું હતું. 


સાત દિવસ પછી મુખ્ય ટ્રસ્ટી સાથે મિટિંગ થઈ. મને રૂપિયા 2,500 અને ઈન્ડોર ફીસમાંથી અમુક ટકા ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કરાયું.

મારો આગ્રહ મને પાંચ હજાર રૂપિયા વત્તા ઈન્સેન્ટિવ મળે તેવો હતો.

મેં ટ્રસ્ટીશ્રીને મારો પગાર વધારવા માટે આગ્રહ કરી જોયો. પણ ટ્રસ્ટનો જ લાભ વિચારતા ટ્રસ્ટીશ્રી ટ્રસ્ટને જેનાથી લાભ થઈ શકે તેવા ડૉક્ટર્સને વધારે પૈસા આપવા તૈયાર ન લાગ્યા.

અને એ વખતે મારા હાથમાં કલાસ વન ઑફિસરની બીજી 3-4 નોકરીના નિમણૂક પત્રો હતા. એટલે મને પણ આ નોકરી છોડવી પડે તો જરાય ચિંતા નહોતી.

એ જ સમયગાળામાં મને મહુવાની એક હૉસ્પિટલમાં નોકરીનો પત્ર પણ મળ્યો હતો. એટલે હું છેલ્લા કેટલાક દિવસથી મહુવા જવાનો વિચાર કરતો હતો. 


મન વારંવાર આ હૉસ્પિટલની નોકરી છોડી વધારે પૈસા મેળવવા માટે મહુવા જતા રહેવાની યોજના કરતું હતું. પણ નોકરી બદલવાની જફાઓનો વિચાર આવતાં જ પાછું પડતું હતું. 

અને નોકરી બદલવી એટલે ?

બધા લબાચા ફેરવવા, ઘરની ઘણી સામગ્રી નવેસરથી વસાવવી, નવા વાતાવરણમાં ગોઠવાવું, નવા પડોશીઓ સાથે સંબંધો બાંધવા,નવા સંબંધો વિકસાવવા, નવેસરથી તમારા કામનું પ્રમાણપત્ર આપવાનું વગેરે વગેરે અનેક માથાકૂટો ઊભી થઈ જાય. આ બધી ઉપાધિઓ મને અકળાવતી હતી.

પરંતુ સામે ડબલ પગાર પણ દેખાતો હતો. આટલું ભણ્યા પછી વધારે પૈસા મળતા હોય તો એ શા માટે છોડવા જોઈએ ? 

આ બધા વિચારોના જાળામાં ગૂંચવાતો હું લોઢાવાળા હૉસ્પિટલની અગાસીની રૅલિંગ પકડીને ઊભો હતો. સાંજના પાંચ વાગી ગયા હતા. 

અરે વીજળીવાળાસાહેબ ! ચાલો બહાર આંટો મારતા આવીએ. હૉસ્પિટલમાં મારી બાજુના કવાર્ટરમાં રહેતા ડૉ.મહાવીરસિંહ જાડેજાના અવાજે મને ચમકાવી દીધો. કહું છું, કંઈ કામ તો બાકી નથી ને ? જો કોઈ દર્દી વેઈટિંગમાં ન હોય તો ચાલો ગામમાં આંટો મારતા આવીએ.

અને શું ઊંડા વિચારમાં ખોવાયા છો ? 

કંઈ સિરિયસ મેટર તો નથી ને ? કાન, નાક, ગળાના નિષ્ણાત સર્જન ડૉ. મહાવીરસિંહ દિલના પણ એક ઉમદા વ્યક્તિ છે. મળતાવડા પણ ખૂબ જ. એમની સાથે વાત કરતા હોઈએ તો એવું જ લાગે કે જાણે દાયકાઓની આપણી કોઈ અતિપરિચિત વ્યક્તિને મળી રહ્યા છીએ. 

એમણે અમદાવાદથી એમ.એસ. કર્યું હતું. અને મેં વડોદરાથી એમ.ડી. બાકી અમારી બેચ એક જ.

આ હૉસ્પિટલમાં પણ લગભગ એકસાથે જ અમે જોડાયા હતા. 

અમને હૉસ્પિટલમાં ઉપરના માળે રૂમ્સ ફાળવવામાં આવી હતી. 


ડૉ. જાડેજાસાહેબના અવાજથી હું તંદ્રામાંથી બહાર આવી ગયો. 

ના ! ના ! કંઈ કામ બાકી નથી. આ તો વધારે પગારની નોકરી કરવા મહુવા જતા રહેવું કે પછી અહીંયા રહીને આ જ શહેરમાં કામ કરવું એ બે વિચારોની વચ્ચે અટવાતો હતો.

ચાલો, હું પણ કંટાળ્યો છું. ક્યાં જવું છે ? મેં બહાર નીકળવાની તૈયારી બતાવતાં કહ્યું. 

રૂપમ ટૉકીઝ (જે હાલ નથી) સુધી જતા આવીએ. મારે થોડીક ખરીદી પણ કરવી છે. બાકી તો નવું શહેર છે તે જોવાઈ પણ જશે. 

ચાલો ત્યારે ! હું તો તૈયાર જ ઊભો છું.

મારે મારા બૂટને પૉલિશ કરાવવા છે.

મેં એમની સાથે દાદરો ઊતરવાનું શરૂ કર્યું. 

ભાવનગર શહેરમાં રાજાશાહી વખતનું ગંગાદેરી નામનું આરસનું એક સુંદર નાનકડું સ્થાપત્ય રૂપમ ટૉકીઝની પાછળના ભાગે આવેલું છે. અત્યારે તો રૂપમ ટૉકીઝની જગ્યાએ એક મોટું બહુમાળી મકાન બની રહ્યું છે. આ ગંગાદેરી સ્થાપત્યની આજુબાજુનો વિસ્તાર ગંગાજળિયા મહાદેવના નામ પરથી ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવની બરાબર વચ્ચેથી મુખ્ય રસ્તો પસાર થાય છે. એ રસ્તાની બંને તરફ સરસ મજાની લાદીજડિત ફૂટપાથ છે. આ ફૂટપાથ પર મેં એક મોચીદાદાને બેઠેલા જોયા.


હું બૂટપૉલિશ કરાવવા માટે જ નીકળ્યો હતો. આ દાદાને જોતાં જ હું તેમના તરફ વળ્યો. ડૉ. જાડેજાસાહેબ એમની થોડીક ખરીદી પતાવવા મુખ્ય માર્ગ તરફ ગયા. 


મોચીદાદાની પાસે પહોંચીને હું બે મિનિટ એમની તરફ જોઈને ઊભો રહ્યો. 

એમને જોતાં જ એમનામાં રસ પડે તેવું અદ્દભુત વ્યક્તિત્વ લાગે. 

ખખડધજ શરીર, ક્યારે ઓળ્યા હશે તેનો અંદાજ ન લગાવી શકાય તેવા એકબીજા સાથે ચોંટી ગયેલા સફેદ વાળ, સેંકડો કરચલીઓથી લીંપાયેલો ચહેરો, ફૂટપાથની પાળીનો ટેકો લઈને બેઠેલું સાતેક દાયકા જૂનું એ શરીર વીતેલા સમયને હોકલી દ્વારા વારંવાર ધુમાડો બનાવીને બહાર ફેંકી રહ્યું હતું. 

દાદા ! બૂટને પૉલિશ કરવાનું શું લેશો ? મેં પૂછ્યું. 

એમણે મારી સામે જોયું. 

હોકલીનો એક ઊંડો કસ લઈને આંખો ઝીણી કરી. 

મોઢેથી ખેંચેલા ઊંડા શ્વાસની સાથે જાણે કે મને પણ આખેઆખો જ આંખો દ્વારા અંદર ઉતારી દીધો ! પછી કહ્યું, 

આઠ આના ! 

આમ તો રૂપિયો લઉં છું. પણ આજે આઠ આના ! નવા લાગો છો આ શેરમાં ?

હા દાદા ! આ શહેરમાં નવો જ છું. એમની માણસ પારખી જવાની શક્તિને મનોમન દાદા દેતાં મેં જવાબ વાળ્યો, પણ જો રોજનો ભાવ એક રૂપિયો હોય તો આ અચાનક આઠ આનાનો મતલબ શો ? 

અહીંના ન હોય એ બધા પાસેથી ઓછા લો છો ?


અરે ના સાહેબ ! એવું કાંઈ નથી. મોટા ભાગનું કમાવાનું તો બહારના લોકો પાસેથી જ હોય છે. પણ આ તો આજે મોજમાં છું ને એટલે ! 

ઓત્તારી ! મોજમાં હોય એટલે ભાવઘટાડો ! એવી તો કેવી મોજ હશે આ દાદાની ? અરે ! કરોડપતિ વેપારીઓ પણ ભાવ પહેલાં ડબલ કરીને પછી ખોટો ભાવઘટાડો કરવાનું નાટક કરતા હોય છે. 

જ્યારે અહીંયાં તો તળિયાના ભાવમાં પણ અડધોઅડધ ઘટાડો કરવાની વાત હતી. 

મને આ દાદામાં ખૂબ જ રસ પડ્યો. વધારે તો એમની મોજ અંગે જાણવાની તાલાવેલી જાગી. 


પણ દાદા ! એવી તો કેવી મોજમાં છો કે આ અડધોઅડધ ભાવઘટાડો કરી નાખ્યો છે ?

મેં બૂટ કાઢી એમને આપ્યા અને બાજુની પાળી પર બેસતાં પૂછ્યું. 

અરે બાપા ! એની તો વાત નો કરો ! એમની આંખોમાં મોજ અને સુખની વાદળીઓ જાણે દોડાદોડી કરી રહી હતી ! 

જાણે કોઈ અદ્દભુત તાનમાં હોય તેમ એણે આગળ કહ્યું: આજે તો સવારથી 25 રૂપિયાનો ધંધો થઈ ગયો છે. રોજ માંડ દસ રૂપિયા જ મળે છે. આજ તો બસ મારા નાથે રેલમછેલ કરી દીધી છે. આ તો તમે આવ્યા, નકર હું તો ઘરે જાવા ઊભો જ થતો હતો !


લ્યો કરો વાત ! 25 રૂપિયા એટલે રેલમછેલ કહેવાય ?! 

ક્યાં હજારો રૂપિયા મળતા હોવા છતાં ઓછા પડતા હોવાનો અહેસાસ કરતો હું અને ક્યાં 25 રૂપિયાને રેલમછેલ ગણતા મોચીદાદા !


જિંદગીનું ગણિત કંઈ જુદી રીતથી પણ ગણી શકાય એવું મને હવે સમજાઈ રહ્યું હતું. 

દાદા ! તમે ભાવનગર જ રહો છો ?

મારો પૂછવાનો મતલબ છે કે ભાવનગરના જ રહેવાસી છો ? મેં પૂછ્યું. 


ના બાપુ ! રહું છું તો બાજુના ગામડે. 

હું અને મારો દીકરો સવારે ઘરેથી બાપુગાડીમાં આવીએ (ત્યારે ભાવનગર અને મહુવા વચ્ચે નૅરોગેજ રેલવે ચાલતી. લોકો એને બાપુગાડી તરીકે ઓળખતાં). 

ઈવડો ઈ દરબારગઢ બેંક પાસે બેસીને ધંધો કરે અને રેલવેસ્ટેશનથી હું અહીંયાં સુધી સાઈકલ લઈને આવું અને આહીં ફૂટપાથ પર બેસું. 

ભાતું લાવીએ એટલે પોતપોતાની મેળે નવરાશે ખાઈ લઈએ. સાંજે સાતની ગાડીમાં બાપ-દીકરો પાછા જાઈં.

આટલું બોલીને એણે ચલમમાંથી ઊંડો દમ ખેંચવાની કોશિશ કરી. 

હોકલી ઠરી ગઈ હતી. 

દાદાએ જમીન પર ઠપકારીને હોકલી ખાલી કરી. નખથી બળેલી તમાકુ ખોતરીને કાઢી ફરીથી ભરવાનું શરૂ કર્યું. 

દાદા ! તમે સ્ટેશન સુધી રોજ ચાલતા જાવ ? મેં પૂછ્યું. 

ના બાપા ! હું આ સાઈકલ પર દરબારગઢ સુધી જાંવ. પછી દરબારગઢ બૅંકના દરવાજા પાંહે આ સાઈકલ મૂકી દઉં. ન્યાંથી અમે બાપદીકરો હાલતા ટેશન વયા જાઈં.

મારી નજર દાદાની સાઈકલ પર પડી. 


ભરચક ચોકમાં તાળું માર્યા વગર મહિનાઓ રાખી મૂકીએ તોપણ કોઈ ન લઈ જાય તેવી ! સાવ ખખડધજ ! દાદાના પર્યાય જેવી. બંને પૈડાના પંખા તેમજ ચેનકવર ગાયબ હતાં. બ્રેક એક પણ નહોતી. સીટની જગ્યાએ સીટના આકારનું લાકડાનું પાટિયું લગાડેલું. અને કાટ તો એના અંગેઅંગનો જાણે શણગાર હતો. 


તમારો દીકરો કેટલા રૂપિયા કમાય ? અટકી પડેલ વાતનો દોર મેં ફરીથી સાંધ્યો. 

રોજ મારો દીકરોય દસ રૂપિયા કમાય. દસ હું કમાવ ! એટલું કહી એમણે હોકલી ફરીથી પેટાવી.

એક ઊંડો દમ ખેંચીને એણે મારી સામે ઝીણી આંખે જોઈને પૂછ્યું : તમે તો આ શેરમાં નવા છો. તમે શું કરો છો?

નોકરી બદલવાનો વિચાર ! એવા શબ્દો મારા હોઠ સુધી આવી ગયા છતાં કહ્યું કે બાળકોનો ડૉકટર છું. 

હુંઉંઉં એવો અવાજ મોઢેથી કાઢીને એમણે મારી સામે જોયું. 

મારી વાત કહ્યા વિના જ જાણી ગયા હોય તેમ ધીમે ધીમે ધુમાડો છોડીને એમણે મારા બૂટને પૉલિશ કરવાનું શરૂ રાખ્યું. પણ મારે તેમની સાથે વાતચીત શરૂ જ રાખવી હતી. એટલે મેં જ પૂછ્યું : 

તો દાદા ! તમે દસ કમાવ, તમારો દીકરો દસ રૂપિયા કમાય. આ જમાનામાં વીસ રૂપિયામાં પૂરું થાય ખરું ? 

અરે વધી પડે ! 

બૂટ પર બ્રશ ફેરવતાં એમણે કહ્યું. મને ખરેખર નવાઈ લાગતી હતી. મારાથી પુછાઈ ગયું,

શું વાત કરો છો દાદા ? તાણ ન પડે ?

વીસ રૂપિયામાં તે કંઈ પૂરું થતું હશે ? પછી તકલીફ ન પડે ? કંઈક નવી ચીજવસ્તુ વસાવવી હોય તો ? 


કઈ ? દાદાનો આ જવાબી પ્રશ્ન ખૂબ વેધક લાગ્યો.

અરે મારા સાહેબ ! આ મારો દીકરો છે ને ? એના ઘરે પણ એક દીકરો છે. અમે ડોહો-ડોહી બે અને ઈ ત્રણ્ય એમ પાંચ જણાનું કુટુંબ છે. 

પરભુની દયાથી આવી સરસ લીલીવાડી છે અને ખાધેપીધે સુખી છું. 

પછી કઈ ચીજની જરૂર પડે ? અને માણહને બીજું જોયેય શું ?


પોતાના હર્યા-ભર્યા કુટુંબના અતિસુખના સાગરને મનની આંખથી એ માણસ માણી રહ્યો હોય તેવું લાગતું હતું. દાદાના

'માણહને બીજું જોયેય શું ?' એ શબ્દો મને બૂટમાં ભરાયેલી કાંકરીની માફક ખૂંચતા લાગ્યા. 

મારે શું જોઈતું હતું એ પ્રશ્ન મારું મન મને પૂછવા લાગ્યું હતું. 

વાત કરતી વખતે એની ખોવાઈ જવાની આદત મને કોઈ યોગીની યાદ અપાવતી હતી. 

લ્યો સાહેબ ! આજે તમારી હાર્યે વાતું કરવાની બઉ મજા આવી. મેં નોતું કીધું કે આજ તો મોજ પડી ગઈ છે ? સાચે જ મારા નાથે આજે મોજ કરાવી દીધી. બૂટ અરીસાની માફક ચકચકિત કરી દીધા પછી એણે મારા હાથમાં મૂક્યા. 


દાદા ! અત્યારે જઈને પછી શું કરશો ? મારાથી પુછાઈ ગયું.


એયને અટાણે ઘરે જઈને બાપદીકરો ચા-પાણી પીશું. એની બાએ ચા તૈયાર જ રાખી હશે. પછી હું ખાટલે બેઠો બેઠો હોકલી પીઈશ અને મારા દીકરાના દીકરાને રમાડીશ. 

અમે એક ગા (ગાય) રાખી છે. મારી ઘરવાળી એને દોઈ રેશે ન્યાં મારો દીકરો ગા સાટુ ચારો લઈ આવશે. દીકરાની વહુ રોટલા ઘડી નાખશે. પછી બધાં વાળુ-પાણી કરીને ઘડીક બેહશું. વાતું કરશું. અને એય મજાના સૂઈ જાહું !

હું તો ભગવાનને રોજ બે હાથ જોડીને કહું છું કે બહુ સુખ આપ્યું મારા નાથ. હવે મારે કાંઈ નથી જોતું. બસ આવી લીલી વાડી સાથે જ લઈ લેજે પરભુ !


અમીનો ઓડકાર ખાઈ રહ્યો હોય તેમ આકાશ સામે જોઈ એણે છેલ્લું વાક્ય કહ્યું. પછી ઊભા થતાં કહ્યું કે, લ્યો હાલો ! મારો દીકરો વાટ જોતો હશે. આટલું કહી એમણે પોતાનો સામાન ભરવા માંડ્યો. 

હું અવાક થઈ ગયો હતો. 

બેચાર મિનિટ શું બોલવું એની સમજણ નહોતી પડતી. હમણાં થોડા વખત પહેલાં જ વાંચેલ, એક જૈનમહારાજસાહેબની ચોપડી, જેનું શીર્ષક હતું 'ફિનિશ લાઈન' યાદ આવી ગઈ. 

એમાં અમીરોને એમણે ખૂબ સુંદર સલાહ આપેલી છે કે ધંધામાં, પૈસાપ્રાપ્તિમાં કે ઈચ્છાઓમાં એક ફિનિશ લાઈન અંતિમ રેખા જરૂરથી રાખવી. 

નહીંતર જિંદગી પૂરી થઈ જશે પણ એ માટેની દોડ પૂરી નહીં થાય.

આવી ઊંચી વાત સમજવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે.

જ્યારે અહીં તો 

મોચીદાદા જેવો આ અભણ, અંગૂઠાછાપ માણસ એ ચોપડીને વગર વાંચ્યે જ જાણે આખેઆખી પચાવી ગયો હતો !


મોચીદાદાએ સામાન સાઈકલ પર ખડકેલો જોઈ હું તરત વિચારોમાંથી બહાર આવી ગયો. મેં ખિસ્સામાંથી રૂપિયો કાઢીને એમના હાથમાં મૂકી દીધો. 

દાદા ! આજે મને પણ તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી છે. તમે એક કામ કરો. આખો રૂપિયો રાખી જ લો ! ફટ દઈને આઠ આના કાઢી મારા હાથમાં મૂકતાં એણે કહ્યું:

ના મારાસાહેબ ! ના ! વધારે લઉં તો અણહકનું કહેવાય. આઠ આના કીધા એટલે આઠ આના જ લેવાના. હવે રૂપિયો લઈ લઉં તો મારો રામ દુભાય !

મને રામરામ કરી સાઈકલ દોરીને એમણે ચાલવા માંડ્યું. અમારા છેલ્લા સંવાદો ચાલતા હતા. તે વખતે ડૉ. જાડેજાસાહેબ પણ આવી ગયા હતા. 

મોચીદાદા જતા રહ્યા. એમનું નામ પૂછવાનું પણ રહી ગયું. મારા મગજમાં તો એનું નામ હંમેશાં એક સુખી મોચી તરીકે કંડારાઈ ગયું હતું. 

એ તો ગયા પણ મારા મનમાં વિચારોનું એક વાવાઝોડું ઊભું કરતા ગયા હતા. 

રોજના માત્ર 20 રૂપિયા કમાતો એ માણસ આખો દિવસ કાળા તડકામાં બેસીને કામ કરતો એ માણસ એમ કહેતો હતો કે.. બસ ભગવાન ! ખૂબ સુખ આપ્યું તેં, હવે બીજું કંઈ નથી જોતું મારા નાથ ! આનાથી વધારે એક માણહને જોઈએ પણ શું ?

અને એની સામે એક હું હતો જે ઉનાળાનો તડકો જરાય ન સ્પર્શે એવી ઠંડી ચૅમ્બરમાં બેસીને હજારો રૂપિયા કમાવા છતાં થોડાક વધારે રૂપિયાની લાલચમાં ભાવનગર શહેર છોડીને મહુવા જવાની ભાંજગડમાં પડ્યો હતો. 

મારું મન મને પૂછતું હતું કે કદાચ થોડાક વધારે હજારો એ પછી લાખો પણ મળશે તોય આવી, આ મોચીદાદા જેવી ખુમારીથી હું કહી શકીશ ખરો? કે બસ ભગવાન ! બહુ આપ્યું તેં ! હવે નહીં ખમાય મારા નાથ !


મને એ અંગે મારા માટે પૂરી શંકા હતી. મારે તો હજુ બંગલો બનાવવો હતો, મોટર લેવી હતી, દુનિયા જોવી હતી, ટીવી, ફ્રીઝ, વૉશિંગમશીન વગેરે વિધવિધ સુવિધાઓના માલિક બનવું હતું. અરે ! એમ જ કહોને દુનિયાએ જેને સુખસાહ્યબી નામ આપ્યું છે તેવી દરેક વસ્તુ જોઈતી હતી. 

પણ આજે મારી જ અંદરથી ઊંડેથી કોઈ સવાલ કરતું હતું કે ધારો કે કાલે આ બધું જ મળી જાય તો પણ તું આવો, આ દાદા જેવો સુખનો અને અમૃતનો ઓડકાર ખાઈ શકીશ ખરો..? 


હું અને ડૉ. જાડેજાસાહેબ ચૂપચાપ સાંજની ભીડને વીંધતા અમારી હૉસ્પિટલ તરફ પાછા જઈ રહ્યા હતા. 

મારું મન રૅગિંગ કરતા કૉલેજના છોકરાઓની માફક વારંવાર મને સવાલ કરતું હતું કે 


બોલ ! આવો અમૃતનો ઓડકાર તું ખાઈ શકીશ ખરો ? 

અને વારંવાર અંદરથી કોઈ જવાબ આપતું હતું કે, નહીં ! કદાચ ક્યારેય નહીં.'..

Share This
Previous Post
Next Post

This blog contain all Education related update and also Earning contain of DAY DREAMS. How to use your learning skill into earnings. First you LEARN then remove "L", this is our goal.

0 comments: